એક સફળ વાર્તા
ગુણોત્સવ ૨૦૧૫-૧૬ અંતર્ગત આ શાળાની
મુલાકાત દરમિયાન આ શાળામાં પાણીની સુવિધા અને બાગબગીચાની સુવિધામાં “૦” શૂન્ય ગુણ, કેમ કે શાળામાં પાણીની સુવિધાના નામે મીંડુ છે............
![]() |
| આચાર્ય શ્રી દેવેન્દ્રકુમાર પટેલ |
આ
વાર્તા મારા ક્લસ્ટરની એક શાળાની છે. તરખંડા તા. હાલોલ સી.આર.સી. સમાવિષ્ટ
કાશીપુરા પ્રા.શાળા ૧ થી ૫ ધોરણ ધરાવે છે. અને બે શિક્ષકો ફરજ બજાવે છે. ગામ નાનું
છે. જેથી શાળામાં ૪૧ જેટલા બાળકો અભ્યાસ
કરે છે. શાળામાં મહેકમ પ્રમાણે બે શિક્ષકો ફરજ બજાવે છે. દેવેન્દ્રકુમાર પટેલ અને
અલ્કાબેન પટેલ. શાળામાં હાલ એક જ વર્ગખંડ ઉપયોગમાં લેવાય તેવી સ્થિતીમાં છે. અને
સેનીટેશન સુધીની પૂરતી સુવિધા ધરાવે છે.આ તો થયો શાળાનો પરિચય.
હાલ આ શાળા
પાણીની પૂરતી સુવિધા ધરાવે છે. બાળકો ખુશીથી ચકલીએ(નળ) પાણી પીવે છે. અને મજા માણે
છે. સેનીટેશનનો ઉપયોગ કર્યા પછી અને જમતા પહેલાં બાળકો હાથ ધુએ છે અને મધ્યાહન
ભોજન લીધા પછી થાળી પણ સાફ કરે છે. મધ્યાહન ભોજન સ્ટાફને પણ હવે પાણીની કોઇ તકલીફ
પડતી નથી. સહેલાઇથી પૂરતું પાણી મળી રહે છે.
ગુણોત્સવ
મુલાકાતથી આગલા દિવસોની વાત કરીએ તો પીવાનું અને વપરાશનું પાણી મેળવવું આ શાળા માટે ઘણું જ મુશ્કેલ હતું. શાળામાં એક હેન્ડપંપ હતો પણ પાણી ખારાશવાળું. બાળકોને પાણી પીવા
માટે ઘરે જવું પડે અથવા તો સાથે બોટલ રાખવી પડે. શાળાના શિક્ષકો પણ પાણીની બોટલ
ઘરેથી સાથે લઇને આવતા હતા. ગામમાં પણ પાણીની મોટી તકલીફ છે. ગામના લોકો પણ પીવાનું
પાણી ગામ બહાર કૂવા પરથી મેળવે છે.
ચાલુ વર્ષે સરકારશ્રીના સૂચન મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ ના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લાના જીલ્લા રોજગાર અધિકારી શ્રી મુકેશ જે.પ્રજાપતિ સાહેબ આ શાળાની મુલાકાત આવ્યા. જેમની સાથે લાયઝન અધિકારી તરીકે મારે ફરજ બજાવવાની થતી હતી. શાળાના શિક્ષકોના આયોજન અને પૂર્વતૈયારી તેમજ બાળકોનો પ્રતિભાવ અધિકારી સાહેબશ્રીને ખૂબ ગમી ગયો. ગામલોકોની હાજરી જોઇ શાળાની કામગીરીની સફળતાના તેમણે ત્યાં જ વખાણ કર્યા
| ડાબેથી પ્રથમ જીલ્લા રોજગાર અધિકારી સાહેબ અને સાથે ગામના અગ્રણી શ્રી નરવતસિંહ પરમાર |
જાન્યુઆરી
માસની ૭-૮-૯ તારીખ દરમિયાન ગુણોત્સવ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું. અને સરકારશ્રીની
સૂચના મુજબ પ્રવેશોત્સવમાં મુલાકાત લીધેલ
અધિકારી દ્વારા જ ગુણોત્સવ દરમિયાન શાળાની શૈક્ષણિક અને ભૌતિક સ્થિતીનું મૂલ્યાંકન
થવાનું હતું. જેથી તા. ૦૯.૦૧.૨૦૧૬ ના રોજ જિલ્લા રોજગાર અધિકારી સાહેબશ્રી મુકેશ
જે. પ્રજાપતિ સાહેબ સાથે લાયઝન તરીકે ફરી આ શાળાની મુલાકાતે આવવાનું થયું. ખુશીની વાત એ હતી કે આજે મુલાકાત દરમિયાન સાહેબશ્રીના પત્નિ અને પુત્રી પણ આવવાના હતા. સમય
પ્રમાણે શાળાની મુલાકાતે આવ્યા. શાળામાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. અને સમયપત્રક મુજબ શાળામાં પ્રાર્થના સંમેલન દ્વારા
કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બાળકોની
પ્રાર્થના અને સંગીતે અમારું મન મોહી લીધું. બાળકોની વાંચન લેખન ગણન ચકાસણી
દરમિયાન બાળકોના શૈક્ષણિક જ્ઞાન અને જવાબો પ્રભાવિત કરે તેવા હતા. સાહેબશ્રીની પુત્રી
ચકુ(આરાધ્યા) તો બાળકો સાથે બપોરના સમયે મધ્યાહન ભોજન પણ બાળકો સાથે લીધું.
સાહેબશ્રીની પત્નીએ પણ બાળકો સાથે ચર્ચા કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા.
હવે વારો આવતો હતો
શાળાની ભૌતિક સ્થિતીનું મૂલ્યાંકન કરવાનો અને શાળામાં સંશાધનોનો ઉપયોગ અને
લોકભાગીદારીનું ફોર્મ ભરવાનો. આ દરમિયાન શાળામાં પાણી અને શૌચાલય વિભાગમાં પીવાના પાણીની સુવિધામાં મેં “૦” માર્ક્સ પર ટિક માર્ક કર્યું. આ જોઇ સાહેબે મને પ્રશ્ન કર્યો કે “૦” શૂન્ય કેમ? મેં જવાબમાં કહ્યું કે - ‘ સાહેબ આ શાળામાં પીવાના પાણીની સુવિધા બિલકુલ નથી, સેનીટેશનમાં પણ સફાઇ માટે પાણી નથી. પાણી ન હોવાને કારણે બાગબાની પણ
નથી. તો માર્ક્સ કઇ રીતે મળે ?’ આ જવાબ સાંભળી સાહેબશ્રીએ દુ:ખની લાગણી અનુભવી. શાળાની શૈક્ષણિક સ્થિતીથી તેમને સંતોષ હતો. સાહેબશ્રીએ પાણીની તકલીફ વિશે પૂરી માહિતી મેળવી. શાળા વ્યવસ્થાપન સમિતી અને ગામલોકો સાથે પણ ચર્ચા કરી. શાળામાં પીવાના
પાણીની સુવિધા ઉભી કરવા માટે વિચારો મૂક્યા અને શિક્ષકો તથા ગામલોકોના મંત્વયો લીધા.
શાળામાં મળતી ગ્રાન્ટ વિશે પણ ચર્ચા કરી.
પણ ૧ થી ૫ ધોરણની શાળા હોવાથી ગ્રાન્ટ ૧૨૫૦૦ જેટલી જ મળતી હોવાનો આચાર્યશ્રીએ જવાબ
આપ્યો. પાણીની સુવિધા કરવા માટે ૨૫૦૦૦ જેટલી રકમની જરૂર પડે તેમ હતી. સાહેબ શ્રી એ
લોકફાળા વિશે પણ વિચાર મૂક્યો.![]() |
| જીલ્લા રોજગાર અધિકારી સાહેબ-૨૦૧૫-૧૬ તરફથી શાળાને મળેલ ભેટ |
સાહેબના આ
વિચારથી અમને પ્રેરણા મળી અને આજ દિન સુધી
જે સુવિધા શક્ય નથી બની તેને પૂર્ણ કરવા માટે સૌ હાજર ગામલોકોએ હકારાત્મક પ્રતિભાવ
આપ્યા અને વિચારને વધાવી લીધો. સાહેબશ્રી સિવાય આ કાર્યમાં સૌથી વિશેષ ફાળો રહ્યો ગામના અગ્રણી અને દરરોજ શાળાની મુલાકાત લેતા, શાળા તથા ગામ પ્રત્યે લાગણી ધરાવતા નરવતસિંહ પરમારનો.
જેમણે તે જ સમયે શાળાને જરૂરી નાણાંકીય સહાય કરવાની જાહેરાત કરી. અને કાર્યની શરૂઆતનું પ્રથમ પગલું ભર્યું.
નરવતસિંહની
મદદથી અને સાહેબશ્રીની પ્રેરણાથી આચાર્યશ્રીએ શાળામાં પાણીની સંપૂર્ણ
સુવિધા કરવાનો નિર્ણય લીધો. ૧૮.૦૧.૨૦૧૬ ના રોજ શાળામાં પ્લમ્બીગનું કાર્ય પૂર્ણ
કરવામાં આવ્યું. અને નરવતસિંહ પરમારની સાથે રહી આ જ દિવસે સબમર્શિબલ મોટર લાવવામાં
આવી.(મોટરની કિંમતના તમામ નાણાં શરૂઆતમાં તો નરવતસિંહ પરમારે જ ચૂકવેલા છે) અને બોરમાં ઉતારી શ્રીફળ વધેરી સાંજે
૧૬.૪૭ મિનિટે પાણી ચાલું કરવામાં આવ્યું અને હાજર ગામલોકો, આચાર્ય સાહેબ, નરવતસિંહ પરમારે હાશકારો અને ખુશીની લાગણે અનુભવી. આ સફળ કાર્ય કરવામાં મને પણ સ્થાન મળ્યું
હતું, જે બાબતે હું પણ ખુશીની લાગણી
અનુભવું છું.
૨૫.૦૧.૨૦૧૬ના રોજ જીલ્લા
રોજગાર સાહેબ શ્રી મુકેશ જે પ્રજાપતિ સાહેબનો ફોન આવ્યો કે આર.ઓ. મશીન લઇને માણસો
આવે છે. સાંજે ૪.૪૫ સુધીમાં આર.ઓ. મશીનનું ફિટિંગ પૂર્ણ કરવામાં આવ્યું અને
કાશીપુરા પ્રાથમિક શાળામાં પાણીની સુવિધા સંપૂર્ણ બની. સમગ્ર કાર્ય દરમિયાન શાળા
સ્ટાફ, ખાસ કરીને
ગામના આગેવાન નરવતસિંહ પરમાર અને સાહેબશ્રીનો સહકાર રહ્યો અને સાહેબની પ્રેરણાથી
આજ દિન સુધી અટકી રહેલી પીવાના પાણીની સુવિધા મેળવી. સાહેબના વિચારો અને સહકારના
અમે આભારી છીએ.
૨૭.૦૧.૨૦૧૬ ના રોજ ફરી આ શાળાની મુલાકાત લેવામાં આવી. બાળકો પાણીની સુવિધાનો હોંશથી ઉપયોગ કરે છે.


